23/08/2026
ગામડું
“ઘીની બરણી સાથે નાનકડો ખીલો લટકતો જોયો ને… બાળપણની માન્યતાઓ અને વડીલોનો એ નિર્દોષ વિશ્વાસ યાદ આવી ગયો!”
----------------------------------------
આજે વતનમાંથી ઘી મગાવ્યું. આમ તો ઘી મંગાવવાની વાત બહુ મોટી નથી, પણ મારા માટે વતનમાંથી આવતી દરેક વસ્તુમાં એક અલગ જ સુગંધ હોય છે. શહેરની દુકાનમાં એ જ વસ્તુ પૈસા આપીને મળી જાય, છતાં મન કહે કે જે વસ્તુ જ્યાં ઊગે, જ્યાં બને, જ્યાં એની માટીની મહેક ભળી હોય, એ ત્યાંથી જ મંગાવવી.
આજે ઘી આવ્યું. બરણી હાથમાં લીધી અને નજર એક નાનકડી વસ્તુ પર અટકી ગઈ. બરણી સાથે એક નાનકડો લોખંડનો ખીલો કે બોલ્ટ જેવો ટુકડો બાંધીને લટકાવ્યો હતો.
હું એ લોખંડના ટુકડાને જોતો રહ્યો અને અચાનક જાણે બરણીમાંથી ઘીની સુગંધ કરતાં પણ જૂના દિવસોની સુગંધ આવવા લાગી.
યાદ આવ્યું આપણું ગામ...
ગામડું એટલે માત્ર માટીના ઘરો, ખેતરો, ઢોર અને ધૂળિયા રસ્તા નહીં. ગામડું એટલે માન્યતાઓનો એક મોટો સંસાર. એવી માન્યતાઓ, જેનું કારણ આપણે ત્યારે ક્યાં સમજતા હતા? બસ, વડીલો કહે એટલે સાચું. દાદા કહે એટલે કરવાનું. બા કહે એટલે માનવાનું. પ્રશ્ન પૂછવાનો રિવાજ ઓછો અને વિશ્વાસ કરવાનો રિવાજ વધારે.
બાળપણમાં કોઈ કસમ ખવડાવે તો બટન પર છોપડેલું મીણ હોય કે કંઈક બીજું, એને ચાખી લેવાનું. કોઈ વસ્તુ જમીન પર પડી જાય તો તરત મિત્રને પૂછવાનું, “રામ કે ભૂત?” મિત્ર “રામ” કહે તો જ વસ્તુ ઉપાડવાની!
આજે એ વાતો યાદ આવે ત્યારે હાસ્ય પણ આવે છે અને આંખના ખૂણે એક અજાણી ભીનાશ પણ ઊભી થાય છે.
કારણ કે એ નાની નાની વાતોમાં આપણું બાળપણ વસેલું હતું.
ગામમાં માન્યતા માત્ર માન્યતા નહોતી; એ જીવન જીવવાની એક રીત હતી. નવી વસ્તુ ઘરમાં આવે તો નજર ન લાગે એની ચિંતા. નવું વાહન આવે તો લીંબુ-મરચાં બાંધવાના. બાળકને બહાર લઈ જવાનું હોય તો કાજળનું ટપકું મૂકવાનું. ક્યાંક કાળો દોરો, ક્યાંક લોખંડનો ટુકડો, ક્યાંક કોઈ નાનકડો ઉપાય...
શહેરવાળાને કદાચ આ બધું અંધશ્રદ્ધા લાગે.
પણ ગામડાના માણસ માટે એમાં પ્રેમ હતો, સાવચેતી હતી અને પોતાના વડીલોના અનુભવ ઉપરનો વિશ્વાસ હતો.
આજે વિજ્ઞાનના યુગમાં આપણે ઘણી જૂની માન્યતાઓને પ્રશ્ન કરીએ છીએ, અને કરવો પણ જોઈએ. દરેક માન્યતા પાછળ વિજ્ઞાન જ હોય એવું પણ નથી. કેટલીક તો માત્ર સમય સાથે ઊભી થયેલી લોકરીતિઓ છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આપણા પૂર્વજોએ જીવનને પોતાના અનુભવથી સમજ્યું હતું. ઘણી રીતોમાં સ્વચ્છતા, સાવચેતી, માનસિક આશ્વાસન કે સામાજિક શિસ્ત જેવી કોઈક વ્યવહારુ સમજણ પણ છુપાયેલી હોઈ શકે.
પરંતુ આજે આ બરણી સાથે લટકતો લોખંડનો ટુકડો જોઈને મને વિજ્ઞાન કરતાં પણ વધારે કંઈક યાદ આવ્યું.
આજે પણ વતનમાંથી કોઈ વસ્તુ મોકલાય અને સાથે આવું કંઈક બાંધી દેવામાં આવે, તો મને લાગે છે કે એ નાનકડા લોખંડના ટુકડા સાથે આખું ગામ જ શહેર સુધી આવી પહોંચ્યું છે.
એમાં 'મા'ની ચિંતા છે, એમાં દાદાનો અનુભવ છે,એમાં માતાની નજરથી બચાવવાની લાગણી છે.
એમાં “કંઈક ન થાય” એવી નિર્દોષ પ્રાર્થના છે.
અને કદાચ સૌથી વધારે તો એમાં પોતાના માણસ માટેની મમતા છે.
ઘીની બરણી તો થોડા દિવસમાં ખાલી થઈ જશે. ઘી રોટલી પર પીગળી જશે, સુગંધ રસોડામાં ફેલાશે અને બરણી કદાચ પાછી રસોડાના કોઈ ખૂણામાં મૂકાઈ જશે.
પણ એની સાથે લટકાવેલો એ નાનકડો લોખંડનો ટુકડો?
એ તો મને ઘણું બધું કહી ગયો, કહે છે કે ગામ હજી મર્યું નથી.
વડીલોની માન્યતાઓ હજી શ્વાસ લે છે, વતનની માટી હજી આપણને ઓળખે છે.
અને આપણે શહેરમાં કેટલા પણ આગળ નીકળી જઈએ, કેટલાંય મોટા બની જઈએ, આપણા બાળપણના એ નાનકડા “રામ કે ભૂત?”માં ક્યાંક ને ક્યાંક આપણે હજી એ જ ગામડાના બાળક છીએ.
એટલે આજે ઘીની બરણી ખોલતાં પહેલાં મેં એ લોખંડના ટુકડાને એક વાર પ્રેમથી જોયો.
તમારા ગામમાં પણ આવી કોઈ જૂની માન્યતા, રીત-રિવાજ કે વડીલોની એવી કોઈ વાત હોય, જેનું કારણ આજે ભલે સમજાતું ન હોય, પણ બાળપણથી આપણે શ્રદ્ધાથી માનતા આવ્યા હોઈએ...
તો કોમેન્ટમાં જરૂર જણાવજો.
કદાચ તમારી એક નાનકડી વાત વાંચીને કોઈ બીજાને પણ પોતાનું વતન, બાળપણ અને વડીલો યાદ આવી જાય. - B.n bhai
🙏🏻 જય દ્વારકાધીશ