26/09/2022
શક્તિ આરાધનાનું પર્વ: નવરાત્રી
નવરાત્રી મહાપર્વના નવ દિવસ નવ દુર્ગાના નવ રૂપની પૂજા-અર્ચનાનું શક્તિની આરાધનામાં ખુબ જ મહત્વ છે. આજે આપણે સૌ નવરાત્રી તો ઉજવીએ છીએ પરંતુ તેનું મહાત્મ્ય મોટાભાગનાને ખબર હોતી નથી. આજે તો નવરાત્રી પર્વ એટલે "ટાપટીપ" થઈને "ગરબા" ગાવા એ પુરતું સીમિત થઇ ગયું છે. પરંતુ આ વર્ષે "કોરોનાના મહારાક્ષસે" નવરાત્રીનું આધુનિકતાનું નૂર હણી લીધું છે. ત્યારે ચાલો આ વર્ષે નવરાત્રીના સાચા સ્વરૂપને જાણીએ અને માણીએ. હકીકતમાં નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૂપ લઇને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે. તો..ચાલો નવરાત્રીના કયા દિવસે દુર્ગાના કયા સ્વરૂપે શક્તિની આરાધનાનો ક્રમ છે તે જાણીએ અને નવરાત્રીને સાચા અર્થમાં માણીએ.
પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી
તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય
સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ
નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ
નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના
-------------------------
શૈલપુત્રી (પ્રથમ રાત્રી)
-------------------------
શૈલપુત્રી મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પ્રથમ નવરાત્રીએ માં દુર્ગાની "શૈલપુત્રી"ના સ્વરૂપમાં પૂજા-અર્ચના કરવાની હોય છે.
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
"શૈલ" એટલે પર્વત અને આ "પર્વત પુત્રી" એટલે મા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’. જે પાર્વતી તેમજ હેમવતીરૂપે પણ પ્રસિદ્ધ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે. જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. આ નવદુર્ગા અહીં પર્વતરાજને ત્યાં અવતર્યા તે પહેલાનાં જન્મમાં ‘સતી’ હતાં જેઓ મહાદેવ શંકરજી સાથે વિવાહીત હતાં. પરંતુ પોતાનાં પિતા દક્ષ પ્રજાપતિનાં ઘરે યજ્ઞમાં તેઓ તેમજ પોતાના પતિ મહાદેવને અપમાનિત થતાં જોઈ સ્વયં યોગાગ્નિમાં ભસ્મીભૂત થયાં અને આ સતીએ યોગાગ્નિમાં સ્વયંને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો. અને પાર્વતી તરીકે પણ પ્રસિદ્ધ થયાં. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. નવદુર્ગાઓમાં પ્રથમ "શૈલપુત્રી" દુર્ગાનું મહત્ત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂલાધાર’ ચક્રમાં સ્થિત કરે છે અને યોગ સાધનાનો પ્રારંભ થાય છે.જેનાથી તેમને અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેમનું પૂજન કરવાથી ભકત હંમેશ ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે.
------------------------------
બ્રહ્મચારિણી (બીજી રાત્રી)
------------------------------
દુર્ગાનું બીજુ રૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં "બ્રહ્મ" શબ્દનો અર્થ "તપસ્યા" થાય છે. "બ્રહ્મચારિણી" અર્થાત "તપની ચારિણી", "તપનું આચરણ કરવાવાળી". કહ્યું પણ છે - "વેદસ્તત્વ તપો બ્રહ્મ". વેદ, તત્વ અને તપ 'બ્રહ્મ' શબ્દનો અર્થ છે. “બ્રહ્મ ચારયિંતુ શીલં યસ્યાઃ સા બ્રહ્મચારિણી”- સચ્ચિદાનંદમય બ્રહ્મ સ્વરૃપની પ્રાપ્તિ કરાવવી જેમનો સ્વભાવ છે, તે બ્રહ્મચારિણી છે. બીજા દિવસે આ જ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'સ્વાધિષ્ઠાન' ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી, મા બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે.
દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।
દેવી પ્રસીદતું મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।
કમલ, અક્ષમાલા અને કમંડલને ધારણ કરનારી સર્વશ્રેષ્ઠ બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ શ્વેત વસ્ત્રમાં પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં અષ્ટ દળની જપની માળા અને ડાબા હાથમાં કમંડળ હોય છે.
પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવા માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. આ કડક તપને કારણે તેમણે "તપશ્ચારિણી" એટલે કે "બ્રહ્મચારિણી"ના નામથી ઓળખવામાં આવે છે.
એક હજાર વર્ષ તેમણે ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને ગુજારો કર્યો હતો. કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ 'અપર્ણા' પડી ગયુ.
કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યાને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે બૂમ પાડી ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ 'ઉમા' પણ પડી ગયું હતુ.
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁની કૃપાથી તેને બધે જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયો હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત કરી તેમનું પૂજન કરી, તેમને ભોજન જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.
------------------------
ચંદ્રઘંટા (ત્રીજી રાત્રી)
------------------------
માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા' છે. નવરાત્રી આરાધનમાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે તેમના જ વિગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનુ મન મણિપૂર' ચક્રમાં પ્રવેશ પામે છે. માઁ ચંદ્રઘટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે. અને વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિ સાંભળવા મળે છે.
पिण्डजप्रवरारूढ़ाचण्डकोपास्त्रकैर्युता।
प्रसादंतनुते मह्रयं चन्द्रघण्टेति विश्रुता॥
માઁ નું આ રૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માતા દુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે. તેમના મસ્તકમાં ઘંટ આકારો અર્ધચંદ્ર છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ સમાન ચમકતો છે. તેમના દસ હાથ છે. તેમના દસ હાથમાં શસ્ત્રો વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તૈયાર હોય તેવી છે. તેમના ઘંટની ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવ, દૈત્યવગેરે ડરે છે.
માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેત-બાધાથી રક્ષા કરે છે. તેમનું ધ્યાન કરતાં જ શરણે આવેલાની રક્ષા કરવા, આ ઘંટની ધ્વનિ રણકી ઉઠે છે.
માઁનું રૂપ અત્યંત મધુર, અને શાંતિથી પરિપૂર્ણ રહે છે. તેમની આરાધના કરવાથી વીરતા-નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થઈ મોઢું, આંખો અને સંપૂર્ણ શરીરમાં કાંતિ-ગુણની વૃધ્ધિ થાય છે. અવાજમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માઁ ચંદ્રઘટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, લોકો તેમણે જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે.
આપણે આપણા મન, વચન અને કર્મને સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક, શુધ્ધ કરીને માઁ ચંદ્રઘટાના શરણે થઈને આરાધના કરવી જોઈએ. તેમની ઉપાસનાથી સમસ્ત સાંસારિક કષ્ટોથી દૂર થઈને સહનશીલ બની શકીએ છે. આપણે હંમેશા તેમના પવિત્ર વિગ્રહને ધ્યાનમાં રાખીને સાધના તરફ અગ્રસર થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમનું ધ્યાન આલોક અને પરલોક બંને માટે પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે.
મા ચંદ્રઘંટાની જે વ્યકિત શ્રદ્વા અને ભક્તિ ભાવ સહિત પૂજા કરે છે તેને માતાની કૃપા મળે છે. જેનાથી તે સંસારમાં યશ, કીર્તિઅને સન્માન મેળવે છે. માના ભક્તોના શરીરમાંથી અદ્રશ્ય ઊર્જાના કિરણો પ્રસરતા હોય છે. જેનાથી તે ગમે ત્યાં જાય ત્યાંનું વાતાવરણ પવિત્ર અને શુદ્વ થઈ જાય છે. તેમની આરાધનાથી મનુષ્યના હૃદયમાંથી અહંકારનો નાશ થાય છે. તેનાથી અસીમ શાંતિ પ્રાપ્તિથી મન પ્રસન્ન થાય છે.
------------------------
કુષ્માંડા (ચોથી રાત્રી)
------------------------
માતા દુર્ગાએ ચોથા નોરતે કુષ્માંડા સ્વરૂપ ધારણ કર્યું હતું. 'કુ' નો અર્થ થાય 'થોડું', 'ઉષ્મા'નો અર્થ થાય 'તાપ', અને 'અંડા' નો અર્થ અહી બ્રહ્માંડ થાય છે, સૃષ્ટિ એટલે જેની ઉષ્માના અંશથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ એ દેવી 'કુષ્માંડા' છે . જ્યારે ચારે તરફ અંધકાર હતો, સમયની પણ ઉત્પત્તિ નહોતી થઇ, તો માતા 'કુષ્માંડા' એ પોતાના સંકલ્પ થી સૃષ્ટિનું સૃજન કર્યું, એનાથી પહેલા તો 'સત ' અને 'અસત' નું પણ અસ્તિત્વ ન હતું. એવી માન્યતા છે કે આ બ્રહ્માંડને માતા કુષ્માંડાની મંદ મુસ્કાનથી ઉત્પન્ન થયું છે. માતાજીને આઠ ભુજાઓ હોવાથી તેમને અષ્ટભૂજા તરીકે ઓળખવામાં આવે છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત કળશ, ચક્ર અને ગદા છે અને માતાજીના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
દેવી કુષ્માંડા સૂર્યલોકમાં રહે છે, અને એ સ્થાન પર કોઈ બીજું રહી શકતું ન હોતું, દેવીનો રંગ પણ સુર્યને સમાન ચમકે છે, એવી ચમક અન્ય દેવી દેવતાઓમાં નથી.
सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च।
दधानाहस्तपद्याभ्यां कुष्माण्डा शुभदास्तु मे॥
નવરાત્રીના ચોથે દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, આ દિવસે સાધક અનાહત કેન્દ્રમાં પ્રવેશ કરી જાય છે. દેવીની સાધના કરવાથી સાધકની બધી બીમારીઓ અને દુઃખ દુર થઇ જાય છે. સાધકનું નામ, બળ અને સ્વાસ્થ્ય વધે છે. દેવી કુષ્માંડાને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે.
દેવી કુષ્માંડાની પૂજા શાસ્ત્રોમાં વર્ણિત વિધિથી કરાવી જોઈએ. ધીરે ધીરે દેવીની કૃપાથી સાધકને અલૌકિક અનુભવ થવા લાગે છે. આ દુઃખરૂપી સંસાર દિવ્ય સ્થાન બની જશે, દેવીની પૂજા સૌથી સરલા અને ઉત્તમ છે દેવી કુષ્માંડાનો સાધક સરળતાથી સંસારરૂપી સાગરને પાર કરી લે છે માટે સાધકે સંસાર અને મુક્તિ માટે દેવી કુષ્માંડાની પૂજા કરાવી જોઈએ. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિધિઓને પ્રાપ્ત કરીને સમસ્ત રોગ-શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે.
----------------------------
સ્કંદમાતા (પાંચમી રાત્રી)
----------------------------
માઁ દુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના આ દિવસે સાધકનું મન 'વિશુધ્ધ' ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળરૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે.
ભગવાન સ્કંદ 'કુમાર કાર્તિકેય' ના નામે પણ ઓળખાય છે. આ પ્રસિધ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામા આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માઁ દુર્ગાના આ સ્વરૂપને સ્કંદમાતાના નામથી ઓળખવામાં આવે છે.
સ્કંદમાતાના ચાર હાથ હોય છે. તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે. ડાબા તરફનો ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનુ ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન પર વિરાજેલા રહે છે. તે જ કારણે તેમને પદમાસના દેવી પણ કહે છે. તેમનુ વાહન સિંહ પણ છે.
सिंहासनगता नित्यं पद्माश्रित करद्वया।
शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी॥
નવરાત્રિ-પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો લોપ થઈ જાય છે. સાધકનું મન બધી લૌકિક, સાંસારિક, બંધનોમાંથી મુક્ત થઈને સ્કંદમાતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂરી સાવધાનીની સાથે ઉપાસનાની તરફ અગ્રેસર રહેવું જોઈએ. તેમણે પોતાની બધી ધ્યાન-પ્રવૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના રસ્તે આગળ વધવું જોઈએ.
સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદમાતાની ઉપાસનાથી બાળસ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી છે. આ માતાનું પૂજન-અર્ચન કરવાથી બધા મનોરથ સિધ્ધ થાય છે. અને પરિવારમાં સુખ, શાંતિની સ્થાપના થાય છે. પુત્ર-સંતાનની ઈચ્છા ધરાવનારને તે પણ થાય છે.
સૂર્ય મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્રભાવથી મનને પવિત્ર રાખીને માઁની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુ:ખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી.
--------------------------
કાત્યાયની (છઠ્ઠી રાત્રી)
--------------------------
માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.
માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી. થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.
એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયનને ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.
ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે.
મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે. માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ, ભય, સંતાપ, શોક વગેરે દૂર થઈ જાય છે. જન્મ જન્માંતરનાં પાપોને વિનષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પુજા ઉપાસની કરવી જોઈએ.
----------------------------
કાલરાત્રી (સાતમી રાત્રી)
----------------------------
દુર્ગાનું સાતમું રૂપ છે કાલરાત્રી. માતાનું સાતમું રૂપ વિકરાળ છે. પણ માએ આ રૂપ પોતાના ભક્તોની ભલાઈ માટે લીધુ છે. કાલરાત્રીની ઉપાસના કરવાથી બ્રહ્માંડની દરેક સિદ્ધિઓના દરવાજા ખુલવા લાગે છે અને તમામ આસુરી શક્તિઓ તેમના નામના ઉચ્ચારણ માત્રથી ડરીને દૂર ભાગવા લાગે છે. તેનાથી ભક્તોને કોઈ પણ પ્રકારનો ડર સતાવતો નથી. તેમના સાક્ષાત્કારથી ભક્તોને પુણ્ય મળે છે.
નવરાત્રીમાં સાતમા રૂપ તરીકે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે માતા કાલરાત્રીનું રૂપ અત્યંત વિકરાળ છે. તેમના શરીરનો રંગ અંધકાર જેવો કાળો હોય છે. માથાના વાળ વિખરાયેલા હોય છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા હોય છે. આ દેવીના ત્રણ નેત્ર હોય છે. આ ત્રણે નેત્ર બ્રહ્માંડની સમાન ગોળ છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
या देवी सर्वभूतेषु मां कालरात्रि रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
માને પ્રસન્ન કરવા જાતક ઉપવાસ કરી શકે છે. આથી જાતકને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાળથી રક્ષે છે મહાકાળ કાળની સામે વ્યક્તિની રક્ષા કરનારી શક્તિ છે મહાકાળ. અંધકારમય સ્થિતિનો વિનાશ કરનારી શક્તિ છે કાળરાત્રી. માતા કાળરાત્રી અત્યંત શક્તિશાળી અને ફળદાયી છે.
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે. મા કાળીને શુભકારી પણ કહે છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ડરીને ભાગી જાય છે.
મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ.
-----------------------------
મહાગૌરી (આઠમી રાત્રી)
-----------------------------
મા દુર્ગાની આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે. ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા.
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥
મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે. મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.
પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે 'व्रियेऽहं वरदं शम्भुं नान्यं देवं महेश्वरात्।' (નારદ પાંચરાત્ર) આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયુ હતુ. તેમની આ તપસ્યાથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર પાણીથી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભાની જેમ ગોરા થઈ ગયા. ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.
મા મહાગૌરીનું ધ્યાન, સ્મરણ, પૂજન-અર્ચન ભક્તોને માટે કલ્યાણકારી છે. આપણે હંમેશા તેમનું ધ્યાન ધરવું જોઈએ. તેમની કૃપાથી અપાર સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. મનને અનંત ભાવથી એકનિષ્ઠ કરી મનુષ્યે હંમેશા તેમના પાદચિન્હોનું ધ્યાન ધરવું જોઈએ.
-----------------------------
સિધ્ધિદાત્રી (નવમી રાત્રી)
-----------------------------
મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે. સૃષ્ટિમાં કશું તેને માટે અગમ્ય નથી રહી જતુ. બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે.
માર્કણ્ડેય પુરાણના મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિદ્ધિઓ હોય છે. જયારે શ્રીકૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે. જેમના નામ:
1. અણિમા 2. લધિમા 3. પ્રાપ્તિ 4. પ્રાકામ્ય 5. મહિમા 6. ઈશિત્વ, વાશિત્વ 7. સર્વકામાવસાયિતા 8. સર્વજ્ઞત્વ 9. દૂરશ્રવાણ 10. પરકાયપ્રવેશન 11. વાકસિધ્ધિ 12. કલ્પવૃક્ષત્વ 13. સૃષ્ટિ 14. સંહારકરણસામર્થ્ય 15. અમરત્વ 16. સર્વન્યાયકત્વ 17. ભાવના 18. સિધ્ધિ
મા સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિદ્ધિઓ આપવામાં સમર્થ છે. દેવીપુરાણ અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથી જ આ સિદ્ધિઓને મેળવી હતી. એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યુ હતું. આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં 'અર્ધનારેશ્વર' ના નામે પ્રસિધ્ધિ થયા હતા.
सिद्धगधर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात सिद्धिदा सिद्धिदायिनी।।
મા સિધ્ધિદાત્રી ચાર હાથવાળી છે. તેમનુ વાહન સિંહ છે. તે કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમના ડાબી બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે. જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે.
નવદુર્ગાઓમાં મા સિધ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે. આ સિધ્ધિદાત્રી મા ની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પારલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.
જય માતાજી