27/05/2026
રાજભા ગઢવીને મંજૂરી આપી તો અમને કેમ નહીં?' અમરેલી- જૂનાગઢના માલધારીઓએ સરકાર મોરચો માંડ્યો ; રાજાશાહી વખતના પુરાવા આપ્યા, વનવિભાગના આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે
આ લડાઈ આજની નથી આ લડાઈ વર્ષોથી ચાલી આવે છે કે અમીરો માટે સરકારના તમામ દરવાજા ખુલા હોય છે અને ગરીબો માટે સરકારની એક બારી પણ ખુલ્લી રાખવામા આવતી નથી
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ. બીજી તરફ, માલધારી તરીકે મંજૂરી મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની કિન્નાખોરી જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા લડત શરૂ કરી છે.
ગીરમાં વસવાટ કરવા માટે રાજભા ગઢવીના પિતાએ અગાઉ અરજી કરી હતી પણ તે નામંજૂર થઈ હતી. એ પછી મે મહિનાની 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે.
રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ, 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી. એટલે માટે તેઓ માલઢોર લઈને લીલાપાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલાપાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ.
માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે તેઓ રાજાશાહીના સમયથી, એટલે કે 1939થી માલધારી છે અને તેમની પાસે 1966 સુધીના કાયમી મસવાડી પાસના પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ફોરેસ્ટ પાસેથી કોઈ જમીન કે મકાન લીધું નથી અને તેઓ કાયમી માલધારી છે.
તેમણે સરકારના 1970 પહેલાના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ એક જ નેહડા પર 3 વર્ષથી મસવાડી પાસ ધરાવતા માલધારીઓને મંજૂરી આપવાની જોગવાઈ છે. ગોલણભાઈએ આક્ષેપ કર્યો કે તેમની અરજીઓ કિનાખોરી રાખીને ફાઇલ કરી દેવાય છે, જ્યારે રાજભા ગઢવી જેવા સેલિબ્રિટીને ઝડપથી મંજૂરી મળી જાય છે
સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. ગઈકાલે કેટલાક માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે, "અમે 3-4 વખત અરજીઓ કરી હતી અમારા ઝૂંપડા પણ તૈયાર છે પરંતુ અમારી અરજીનો કોઈ જવાબ નહિ. 10 વર્ષ પહેલા અમે સીટીમાં રહેતા હતા ત્યાંથી અમારા બા બીમાર હતા એટલે પીપળવા બોડરમા રહેતા હતા. પછી એક સાહેબ આવ્યા એણે ન જવા દીધા, પછી અમે નેહડે જવા માટે અરજીઓ કરી પણ કોઈ જવાબ આવ્યો નહિ. રાજભાને મંજૂરી મળી ગઈ, અમે માલધારી છીએ અમને કેમ નહિ? અમારી અરજી લે અને અમને નેહડે ફરી જવા દે તેવી માંગણી છે."
ગુજરાતના લોકસાહિત્યકાર રાજભા ગઢવીની અરજી બાદ નેસમાં મંજૂરી મળ્યા બાદ મીડિયા દ્વારા ધારી ગીર પૂર્વ ડિવિઝન DCF વિકાસ યાદવનો સંપર્ક કરતા કોઈ જવાબ અપાયો નહીં. માલધારીઓ સામે આવતા ફરીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જવાબદારીમાંથી છટકવા માટે મૌન ધારણ કર્યું છે અને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું છે.