20/11/2021
https://www.facebook.com/jndsorath થોડી પીછેહઠથી મોદી ભરશે લાંબી છલાંગ:કૃષિ કાયદા રદ કરીને BJP પશ્ચિમ યુપી છટકવા નહીં દે, પંજાબમાં કોંગ્રેસનો ઊભો પાક લણી લેશે: જાણો આ નિર્ણય કેવી રીતે બનશે ગેમ ચેન્જર
યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી
પશ્ચિમ યુપીમાં ખેડૂત આંદોલનની વ્યાપક અસર, બીજેપી સરકારથી નારાજ હતા ખેડૂતો
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદીએ નવા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. સામાન્ય રીતે સરકાર કોઈ નવી યોજનાઓ કે નિર્ણયો જાહેર કરીને સત્તા જાળવી રાખવાનો પ્રયત્ન કરતી હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર મોદી સરકારે તેમના લીધેલા નિર્ણયમાં પીછેહઠ કરીને સરકારનો તખતો પલટવાની રણનીતિ કરી છે. 2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આવતી ચૂંટણીઓ માટે મોદી સરકારનો આ નિર્ણય ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ આજે કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરીને પશ્ચિમ યુપીમાં બીજેપીની સીટો જાળવી રાખવાની રણનીતિ કરી છે. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ બીજેપી સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી છે, જેથી હવે પંજાબની પણ ખેડૂત વિસ્તારની સીટો બીજેપીને મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
પશ્ચિમ યુપીમાં 2017માં 16 જિલ્લાની કુલ 136 સીટમાંથી 109 સીટ બીજેપીના કબજામાં હતી. છેલ્લા 14 મહિનાથી ચાલતા ખેડૂત આંદોલનને કારણે સ્થાનિક ખેડૂતો ખૂબ નારાજ હતા. પરિણામે, પશ્ચિમ યુપી બીજેપીના હાથમાંથી નીકળી જાય એવી સ્થિતિ હતી, પરંતુ હવે આ નિર્ણયથી બીજેપી પશ્ચિમ યુપીની સીટો જાળવી શકશે. બીજી બાજુ, અત્યારસુધી કોંગ્રેસમાંથી પંજાબના સીએમ રહેલા અમરિંદરે પણ બીજેપીનો હાથ પકડી લીધો છે. પંજાબના ખેડૂતો પણ કૃષિ કાયદાથી ઘણા નારાજ હતા, પરંતુ હવે પંજાબમાં બીજેપીને સીએમના ચહેરા તરીકે અમરિંદર પણ મળી ગયા છે અને આ નિર્ણયથી ખેડૂતોનો સહકાર પણ મળી જશે. પરિણામે, પંજાબમાં કોંગ્રેસની 77 સીટ હવે સરળતાથી બીજેપીને મળી જાય એવી ગેમ ગોઠવાઈ ગઈ છે.
મોદીએ આજે બુંદેલખંડ રવાના થતાં પહેલાં જ એક તીરથી ઘણાં નિશાન સાધ્યાં છે. હકીકતમાં કૃષિ કાયદાને કારણે પશ્ચિમ યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો દિલ્હી-યુપી અને દિલ્હી-હરિયાણા બોર્ડર પર છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા હતા. ખેડૂત આંદોલનને યુપીમાં બીજેપીને સત્તા સુધી પહોંચવા માટે ખૂબ મોટો અવરોધ માનવામાં આવતો હતો, પરંતુ હવે બીજેપીએ કૃષિ કાયદો પરત લેવાની જાહેરાત કરીને તેમના રસ્તાનો મોટો પથ્થર હટાવી દીધો છે અને સાથે સાથે વિપક્ષની રાજનીતિને પણ ખૂબ મોટો ઝટકો આપ્યો છે.
પશ્ચિમ યુપી બીજેપી માટે મોટો વિસ્તાર
યુપીમાં છેલ્લી ત્રણ ચૂંટણી 2014 લોકસભા, 2017 વિધાનસભા અને 2019 લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ યુપીથી બીજેપીને ખૂબ મોટી જીત મળી હતી. ત્રણેય ચૂંટણીમાં બીજેપીને ધ્રુવીકરણનો ખૂબ મોટો ફાયદો મળ્યો હતો, પરંતુ ખેડૂત આંદોલનને કારણે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી. 2022માં થનારી ચૂંટણીમાં ખેડૂત આંદોલન પશ્ચિમ યુપીમાં ખૂબ મોટો મુદ્દો થતો દેખાતો હતો. આ વિવાદને ધ્યાનમાં રાખીને વિપક્ષની પાર્ટીઓ આરએલડી, સપા અને કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસોમાં મહાપંચાયત આયોજિત કરીને જાટ-મુસ્લિમ એકતાને ફરી સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો.
કૃષિ કાયદા રદ કર્યા પછી એવું માનવામાં આવે છે કે એની અસર પશ્ચિમ યુપીનાં રાજકીય સમીકરણો પર ચોક્કસ જોવા મળશે. વિપક્ષની પાર્ટીઓએ પશ્ચિમ યુપીમાં અત્યારસુધી ખેડૂત આંદોલન પર ઘણી આશા રાખી હતી, પરંતુ મોદી સરકારે હવે આ મુદ્દો જ સમાપ્ત કરી દીધો છે. હવે વિપક્ષે પશ્ચિમ ઉત્તરપ્રદેશની રણનીતિ પર ફેરવિચાર કરવો પડે એવી સ્થિતિ આવી ગઈ છે.
પંજાબમાં જીત માટે જરૂરી ખેડૂત વોટ બેન્ક મોદીએ ઊભી કરી લીધી
પંજાબમાં કુલ 117 વિધાનસભા સીટ છે. એમાંથી 40 અર્બન, 51 સેમી અર્બન અને 26 રુરલ સીટ છે. રૂરલ સાથે સેમી અર્બન વિધાનસભા સીટ પર ખેડૂતોના મત હાર-જીતનો નિર્ણય કરે છે. આ સંજોગોમાં પંજાબ ચૂંટણી પહેલાં ભાજપ માટે કાયદો પરત લેવો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
પંજાબ માલવા, માઝા અને દોઆબા વિસ્તારમાં વહેંચાયેલો છે. એમાં સૌથી વધારે સીટો 69 માલવામાં છે. માલવામાં સૌથી વધારે ગ્રામીણ સીટો છે અને ત્યાં ખેડૂતોનો દબદબો છે. 23 સીટવાળા દોઆબામાં સૌથી વધારે દલિત સીટો છે. 25 સીટવાળા માઝામાં શીખ સીટો વધારે છે. ગુરુપર્વના દિવસે લેવામાં આવેલો આ નિર્ણયથી શીખો સાથે ભાવનાત્મક જોડાવામાં પણ બીજેપીને મદદ મળશે.
ખેડૂત મહાપંચાયતે વધારી હતી બીજેપીની મુશ્કેલી
5 સપ્ટેમ્બરે ખેડૂત સંયુક્ત મોરચાના નેતૃત્વમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત થઈ, જ્યાં ખેડૂતોની ભેગી થયેલી ભીડ અને સરકાર વિરુદ્ધના આક્રોશે બીજેપીની મુશ્કેલી વધારી દીધી હતી. બીજેપી નેતાઓનાં નિવેદનોમાં પણ આ પીડા સ્પષ્ટ દેખાતી હતી. બીજેપી નેતાઓને તેમના જ મંત્રીઓથી પડકાર મળવા લાગ્યા હતા. ચૂંટણી પહેલાંના ઓપિનિયન પોલ અને સર્વેમાં ખેડૂત આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં બીજેપીને નુકસાન થતું જોવા મળ્યું છે.
બીજેપીનો ખેડૂતો અને શીખોને એકસાથે સાધવાનો પ્રયત્ન
ગુરુનાનકજયંતીના દિવસે કૃષિ કાયદા રદ કરીને ભાજપે પંજાબના શીખ સમુદાય અને પંજાબ-યુપીના ખેડૂત સમુદાયને એકસાથે સાધવાનો પ્રયત્ન કર્યો છે. લખીમપુર ખીરીકાંડમાં પણ મોટા ભાગના શીખ સમુદાયના ખેડૂતો જ હતા. આમ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતથી એકસાથે પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ શીખ સમુદાયને એકસાથે લાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પંજાબમાં શીખ સમુદાયની વસતિ અંદાજે 58 ટકા છે. આ સમુદાયને ધ્યાનમાં રાખીને જ ગઈ 17 નવેમ્બરે સરકારે કરતારપુર કોરિડોર પણ ફરી ખોલવાનો નિર્ણય કર્યો છે.
યુપી બીજેપી માટે કેમ મહત્ત્વનું
2017માં બીજેપીએ ઉત્તરપ્રદેશમાં 403માંથી 320 સીટ જીતીને બહુમતી મેળવી હતી. એમાંથી પશ્ચિમ યુપીના 16 જિલ્લામાં 109 સીટ પર જીત મેળવી હતી. અલગ-અલગ જિલ્લાની વાત કરીએ તો બીજેપી મેરઠની સાતમાંથી છ સીટ પર જીતી હતી. એક સીટ સપાને મળી હતી. બાગપતમાં એક સીટ પર બીજેપી હારી હતી, પરંતુ આ સીટ પર આરએલડીની સીટ પરથી જીતેલા ધારાસભ્ય છેલ્લે ભાજપમાં સામેલ થયા હતા. સહારનપુરની સાત સીટમાંથી ચાર સીટ બીજેપીએ જીતી હતી. અન્ય ચાર સીટ સપાએ જીતી હતી. અમરોહાની ચારમાંથી ત્રણ સીટ બીજેપી અને એક સપાએ જીતી હતી. ફિરોઝાબાદની ચારમાંથી ત્રણ સીટ પર બીજેપીને અને એક સીટ સપાને મળી હતી. મેનપુરીમાં ચારમાંથી એક સીટ બીજેપી અને એક સીટ સપાને જીત મળી હતી.
બદાયુમાં છમાંથી 5 સીટ બીજેપીએ અને એક સપાએ જીતી હતી. સંભલમાં ચારમાંથી બે બીજેપી અને બે સપાએ જીતી હતી. બિજનૌરમાં આઠમાંથી છ સીટ બીજેપી અને બે સપાએ, રામપુરમાં બેમાંથી એક સીટ બીજેપી અને એક સપાએ, શામલીમાં ત્રણમાંથી બે સીટ બીજેપી અને એક સપાએ, હાપુડમાં ત્રણમાંથી બે સીટ બીજેપી અને એર બીએસપીએ, શાહજહાંપુરમાં છમાંથી પાંચ સીટ બીજેપી અને એક સપાએ, મથુરામાં પાંચમાંથી ચાર સીટ બીજેપી અને એક બીએસપીએ, હાથરસમાં ત્રણમાંથી બે સીટ બીજેપી અને એક બીએસપીએ જીતી હતી. 16 જિલ્લામાં કુલ 27 સીટમાં બીજેપીને હાર મળી હતી. આ ચૂંટણીમાં બીજેપી જે 27 સીટ પરથી હારી હતી એ જીતવા માટે અલગ અલગ રીતે ફોકસ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ખેડૂતોની નારાજગીને કારણે બીજેપીને પશ્ચિમ યુપીમાં નુકસાનની શક્યતા વધી ગઈ હતી.https://www.facebook.com/jndsorath