06/05/2026
તમિલનાડુની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. 2021 અને 2026ની ચૂંટણીમાં DMK સાથે ગઠબંધન કરનાર કોંગ્રેસે હવે વિજયની પાર્ટી TVK ને સમર્થન આપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ ટેકાના બદલામાં કેબિનેટમાં બે મંત્રી પદ અને સરકારી બોર્ડના અધ્યક્ષ પદની માંગણી કરી શકે છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, જનતાનો આદેશ સીધો ડીએમકે (DMK) સરકારની વિરુદ્ધમાં છે અને તેમાં કોંગ્રેસનો કોઈ વાંક ન હોવા છતાં તેને નુકસાન વેઠવું પડ્યું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે 'X' પર પોસ્ટ કરીને ધ્યાન દોર્યું હતું કે કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓ પોતાની બેઠકો હારી ગયા છે, જે સ્પષ્ટ કરે છે કે જનતાએ વર્તમાન સરકારને નકારી દીધી છે. હવે જ્યારે ભાજપ તમિલનાડુમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) સાથે હાથ મિલાવવાની વ્યૂહરચના પર વિચાર કરી શકે છે. કોંગ્રેસનું માનવું છે કે ડીએમકેની હારના કારણે તેમને બિનજરૂરી નુકસાન થયું છે, તેથી હવે તેઓ ભાજપ વિરુદ્ધ લડતી શક્તિઓ સાથે ઉભા રહેવાના વિકલ્પો ચકાસી રહ્યા છે.
તમિલનાડુમાં થલપતિ વિજયની પાર્ટી 'ટીવીકે' (TVK) એ 108 બેઠકો સાથે મેળવેલી ભવ્ય જીત બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને વર્ષો જૂનું ડીએમકે-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે. કોંગ્રેસે વિજયને શરતી ટેકો જાહેર કરતા ડીએમકે (DMK) એ કોંગ્રેસને 'દગાબાજ' અને 'પીઠમાં છરો ભોંકનાર' ગણાવી તીખી પ્રતિક્રિયા આપી છે. ડીએમકેના પ્રવક્તાએ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસની બેઠકો મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને કારણે આવી હતી અને જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું ત્યારે સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે એઆઈએડીએમકે (AIADMK) ને સત્તાથી દૂર રાખવા અને ભાજપને રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી છે, જેના માટે વિજયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને સમર્થન પણ માંગ્યું છે.
કોંગ્રેસનો સાથ: કોંગ્રેસના 5 ધારાસભ્યો છે, જેમના ટેકા બાદ આ આંકડો 113 પર પહોંચે છે.
વધારાની જરૂરિયાત: કોંગ્રેસના સમર્થન છતાં વિજયને સરકાર બનાવવા માટે હજુ પણ 5 અન્ય ધારાસભ્યોના ટેકાની જરૂર પડશે.
વિજય માટે બહુમતી સાબિત કરવી એટલી સરળ નથી કારણ કે કેટલીક ટેકનિકલ બાબતો આંકડાકીય ખેલ બગાડી શકે છે: વિજય 'પેરમ્બુર' અને 'તિરુચિરાપલ્લી પૂર્વ' એમ બંને બેઠકો પરથી જીત્યા છે. નિયમ મુજબ તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જેનાથી TVK ની સંખ્યા ઘટીને 107 થઈ જશે.
જો TVK પોતાના સ્પીકરની નિમણૂક કરે, તો તેઓ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મતદાન કરી શકશે નહીં, જેનાથી પાર્ટીની અસરકારક મતદાન ક્ષમતા 106 પર આવી જશે. આ સંજોગોમાં વિજયને પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે કુલ 12 વધારાના ધારાસભ્યોના સમર્થનની જરૂર પડી શકે છે.
રાજકીય ચર્ચાઓ મુજબ, વિજય બુધવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. જો બધું યોજના મુજબ પાર ઉતરશે, તો 7 મે ના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે અને તેમની સાથે અન્ય 9 મંત્રીઓ શપથ લઈ શકે છે. હાલમાં TVK અન્ય પક્ષો જેવા કે VCK અને લેફ્ટ પાર્ટીઓ સાથે સંપર્કમાં હોવાનું મનાય છે.